‘What I Read’ માં હું યજ્ઞેશ પંડયા આપનું સ્વાગત કરું છું. ‘What I Read’ ની શરૂઆત કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ લંડનથી પ્રકાશિત થતા ગુજરાતી સામયિક 'ગરવી ગુજરાત' અને અન્ય સામાયિક માટે મેં લખેલા કેટલાક પુસ્તક-પરિચય, આરોગ્ય સંબંધી અને અન્ય વિષય સંબંધિત લેખોને એક સ્થાને એકત્રિત કરવાનો તેમજ મારા વિચારોને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મૂકવા માટેનો છે. ઉપરાંત, મારી આ વેબસાઇટનું નામ "What I Read" રાખ્યું છે. કારણ એક જ – ગમતાંનો ગુલાલ. મારે ક્યાંક કંઈક સારુ વાંચવામાં આવ્યું હોય તેને સરળ ભાષામાં અહીં મુકીશ. આ ઉપરાંત સગાં કે મિત્રોના વાંચવામાં કોઈ સારું પુસ્તક કે સારા લેખ વાંચવામાં આવ્યા હોય અને તેઓ પણ ઈચ્છતા હોય કે તે અન્ય લોકો સુધી પહોંચે, તો એ પણ આ સાઈટ પર મુકાશે – જે-તે વ્યક્તિના નામ સહિત.
આમ તો મારા શોખના વિષયોમાં વાચન, પ્રવાસ, કોપી એડિટીંગ, કૉપી રાઈટીંગ, અનુવાદ વગેરે છે. નિવૃત્તિ બાદ આ પ્રવૃત્તિઓ નિયમિત રૂપે ચાલતી જ હતી. મારા કેટલાક હિતેચ્છુ મિત્રોના સૂચનથી કેટલાક વર્ષોથી નિયમિત લખવાનું પણ ચાલુ કર્યું. લેખનમાં અનુભવના અભાવે શરૂઆતમાં મારા કેટલાક લેખો ગુણવત્તાની દૃષ્ટિએ નબળા હોવાનો મને ખ્યાલ આવતો હતો. પરંતુ, જેમ જેમ લખતો ગયો તેમ તેમ તેમાં સુધારો થતો ગયો. મારા માટે "What I Read" એ ફક્ત લેખો અને વિચારોને એક જગ્યાએ મૂકવાનો મંચ જ નથી, પરંતુ સમય સાથે ડીજીટલ દુનિયા તરફ વધવાનો - તેને શીખવાનો એક પ્રયાસ પણ છે. તો આશા છે કે તમારો સાથ મારા આ નવા પ્રયાસને સફળ બનાવશે. મારા લેખન માટે તમારા અભિપ્રાય આપશો અને આપની શુભેચ્છાઓ અને આશીર્વાદથી મારી આ ડીજીટલ સફર સફળ બનશે.
- યજ્ઞેશ પંડયા